શનિવારથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે બિયાસ, ગંગા, યમુના અને અન્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજીયાત રીતે યમુનાનગરના હથીનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા હવે રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ ઉભું થયું છે. બુધવારે રાત્રે આઠ કલાકે યમુના નદીનું સ્તર ૨૦૭.૮૯ મીટરની સપાટીએ પહોંચ્યું હતું જે ૧૯૭૮ના સર્વોચ્ચ સ્તર ૨૦૭.૪૯ મીટર કરતા વધારે છે. હજુ ગુરુવારે વહેલી સવારે જળસ્તર ૨૦૮ મીટરની સપાટીએ પહોંચે એવી સેન્ટ્રલ વોટર કમીશનની આગાહી છે. પૂરના કારણે દિલ્હીમાં નદી કિનારે કલમ ૧૪૪ જાહેર કરવામાં આવી છે અને કાંઠાળ વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વરસાદની તીવ્રતા ઘટી જતા હવે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.