ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં 16થી 19 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.
15 અને 16 માર્ચે આ વિસ્તારોમાં માવઠું થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 માર્ચે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે.