ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૬૨૧ મહિલા ઉમેદવારોમાંથી મહિલાનું પ્રમાણ ૧૩૮ હતું. આ પૈકી ૧૬ મહિલા ઉમેદવાર વિજય મેળવવામાં સફળ રહ્યાં છે. જેમાંથી ભાજપની ૧૫ અને કોંગ્રેસની ૧ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૩ મહિલા ઉમેદવાર ચૂંટાઇ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૭, કોંગ્રેસે ૧૩, આમ આદમી પાર્ટીએ ૭ મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી, ૫૫ મહિલાઓએ અપક્ષ તરીકે ઝૂકાવ્યું હતું. ભાજપની ૧૫, કોંગ્રેસની ૧ મહિલા ઉમેદવારના વિજય થયા હતા જ્યારે 'આપ' ની એક પણ મહિલા ઉમેદવાર વિજય મેળવી શકી નહોતી. કોંગ્રેસમાંથી વિજય મેળવનારા એકમાત્ર મહિલા ઉમેદવાર બનાસકાંઠાની વાવ બેઠકનાં ગેનીબેન ઠાકોર છે. મહિલા ઉમેદવારોમાંથી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી લડી રહેલાં ડો. દર્શિતા શાહે સૌથી વધુ ૧.૦૫ લાખ મતના અંતરથી જીત મેળવી હતી. કુલ ૯ મહિલા ઉમેદવારોનો ૫૦ હજાર કરતાં વધુ મતનાં અંતરથી વિજય થયો હતો.