ભારતીય સૈન્યમાં તહેનાત મહિલા અધિકારીઓને હવે કર્નલ પદે પ્રમોશન મળી શકે છે. એટલે કે પ્રથમ વખત મહિલાઓ આર્મી યુનિટને લીડ કરી શકશે. આ પદે 108 મહિલા અધિકારીઓને પ્રમોશન અપાઈ શકે છે.
મહિલાઓને પુરુષોની સમાન દરજ્જો મળશે
ઉલ્લેખનીય છે કે સૈન્ય હેડક્વાર્ટરમાં લેફ્ટનન્ટ કર્નલ પદ માટે પ્રમોશન ચાલી રહ્યું છે. એક અહેવાલ અનુસાર 9 જાન્યુઆરીથી મહિલા અધિકારી પસંદગી બોર્ડની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રમોશનનો અર્થ એ છે કે મહિલાઓને પુરુષો સમાન દરજ્જો મળશે.
1992થી 2006ની બેચની મહિલા અધિકારીઓને પ્રમોટ કરાશે
ખરેખર 1992થી 2006ની બેચની 108 ખાલી જગ્યાઓ માટે 244 મહિલા અધકારીઓને પ્રમોટ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તેમાં એન્જિનિયર્સ, સિગ્નલ, આર્મી એર ડિફેન્સ, ઈન્ટેલિજન્સ કોર, આર્મી સર્લિસ કોર, આર્મી ઓર્ડિનેન્સ કોર અને ઈલેક્ટ્રિકલ સહિત જુદા જુદા હથિયારો અને સેવાઓમાં સામેલ અધિકારીઓ સામેલ છે.