સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી આખરે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ યુનિક નંબર સહિતચૂંટણી બોન્ડ સંબંધિત બધી જ માહિતી ચૂંટણી પંચને આપી દીધી છે. ચૂંટણી પંચે પણ આ બધી જ માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરી દીધી છે. આ સાથે ફ્યુચર ગેમિંગ અને મેઘા એન્જિનિયરિંગ પછી ચૂંટણી બોન્ડ મારફત સૌથી વધુ રૂ. ૪૧૦ કરોડનું દાન આપનારી ત્રીજા નંબરની કંપની ક્વિક સપ્લાયે વર્ષ ૨૦૧-૨૨ અને ૨૦૨૩-૨૪ વચ્ચે ભાજપને રૂ. ૩૯૫ કરોડ અને શિવસેનાને રૂ. ૨૫ કરોડ આપ્યા હતા.
ગયા સપ્તાહે ચૂંટણી બોન્ડની વિગતોનો ઘટસ્ફોટ થયો ત્યારે ક્વિક સપ્લાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથ સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આ બાબતને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું કે, ક્વિક સપ્લાય ચેઈન પ્રા. લિ. રિલાયન્સની કોઈપણ કંપની સાથે સંકળાયેલ નથી. વધુમાં રિલાયન્સ સાથે સંકળાયેલી હોવાનું મનાતી અન્ય એક કંપની હનીવેલ પ્રોપર્ટીઝ પ્રા. લિ.એ ૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ રૂ. ૩૦ કરોડના બોન્ડ ખરીદ્યા હતા અને ભાજપને આપ્યા હતા.