જમ્મુ કાશ્મીરનાં બારામુલ્લામાં આતંકી સંગઠન લશ્કરે તોયબાના મોડયૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથે જ તોયબા સાથે સંકળાયેલા કુલ ૧૦ આતંકીઓ-તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. બારામુલ્લાના ઉરીમાં ચુરુંડા વિસ્તારમાં સૈન્ય દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ આતંકી છટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે સૈન્યએ તેને પકડી લીધો હતો. ધરપકડ કરાયેલા શૌકત અલી અવાને બાદમાં પોતાના અન્ય સાથી આતંકીઓના નામ જાહેર કરી દેતા તેમની પણ ધરપકડ કરાઇ હતી.