ચૂંટણી કમિશનરોની નિમણુંકની વર્તમાન સિસ્ટમ પર ખુદ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે સાથે જ કેન્દ્ર સરકારનો ઉધડો લેતા કહ્યું છે કે તમે હાલમાં જ ચૂંટણી કમિશનર નિમાયેલા અરુણ ગોયલની નિમણુંક કેવી રીતે કરી અને શું ધ્યાનમાં રાખીને તેમને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા, તેમજ નિમણુંક માટે કઇ પ્રક્રિયાને અનુસરવામાં આવી તેની સંપૂર્ણ જાણકારી આપતી ફાઇલ રજુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફની બેંચે જણાવ્યું હતું કે અમે મુખ્ય ચૂંટણી કમિશનર પદે અરુણ ગોયલની નિમણુંક કરી તે ફાઇલ જોવા માગીએ છીએ.