મહારાષ્ટ્રના ખુલતાબાદમાં આવેલી ઔરંગઝેબની કબર દૂર નહિ કરાય તો અયોધ્યાની બાબરી મસ્જિદની જેમ તેનો પણ ધ્વંસ કરાશે તેવી ચેતવણી હિંદુ સંગઠનોએ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે સરકારે વહેલી તકે આ કબર દૂર કરવી જોઈએ નહિતર અમારે કારસેવા કરવાની ફરજ પડશે.
ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી સાથે વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા મથકોએ દેખાવો યોજાયા હતા. બજરંગ દળના એક સભ્યે કહ્યું કે ઔરંગઝેબની કબરની પૂજા થઇ રહી છે. છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કબર બની હતી અને ત્યાં ઇબાદત કરાય છે તો કેવા સમાજનું નિર્માણ થશે? જુલ્મી શાસકની કબર છે અને તે વખતે આપણે લાચારી હતી પણ હવે વિશ્વ હિંદુ પરિષદ (વીએમપી) અને બજરંગ દળની માગણી છે કે કબર હટાવવી જોઇએ.