કેન્દ્ર સરકારે બુધવારે વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર માટેનું વકફ (સુધારા) બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. જોકે, વિપક્ષ સાથે ઉગ્ર ચર્ચા પછી આ બિલને વધુ ચર્ચા-વિચારણા માટે જેપીસીને મોકલી અપાયું હતું. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આ બિલની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કેટલાક લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે. સામાન્ય મુસ્લિમોને ન્યાય અપાવવા માટે જ આ બિલ લવાયું છે. એટલું જ નહીં વકફના નામે એવી જમીનો પર કબજો કરાયો છે જ્યાં કોઈ મુસ્લિમ નહોતું તેમજ સરકારી ઈમારતો પણ પચાવી પાડવામાં આવી છે અને કરોડો રૂપિયાના કૌભાંડ કરાયા છે.