ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે 48 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ ચૂંટણીની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે, ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન
ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. પેટા ચૂંટણીની વાત કરીએ તો દેશની કુલ 48 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.