મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે(17 માર્ચ, 2025) વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એક મોટું આંદોલન કર્યું છે, જેમાં ઔરંગઝેબની પ્રતિકાત્મક કબરનું દહન પણ કર્યું હતું. આ ઘટનાને લઈને નાગપુરના મહલ વિસ્તારમાં અંદાજે રાત્રે સાડા આઠ આસપાસ હિંસા ભડકી છે. નાગપુરમાં બે જૂથો વચ્ચે અથડામણમાં અનેક પોલીસકર્મી ઘાયલ અને કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી, પથ્થરમારો પણ કરાયો હતો. ડીસીપી નિકેતન કદમ પર કુહાડીથી હુમલો કરાયો છે. ડીસીપી સહિત ચાર પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસની ટીમો અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ને પણ તૈનાત કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, તેમની માગ વર્ષો જૂની છે, અને આ પ્રદર્શન તેને જઈને જ કરવામાં આવી રહ્યું છે. તેમણે આને પ્રતિકાત્મક પગલું ગણાવ્યું છે.