મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેથી કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડા અને માતરના કાંઠાગાળાના ૧૭ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે. મધ્યગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સોર્સ છે. તાજેતરમાં મહીસાગર જિલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.