ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સોમવારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસીના અમલની નિયમાવલી અને વેબપોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. દેશની સ્વતંત્રતા બાદ યુસીસી લાગુ કરનારુ ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. જેને પગલે હવે ઉત્તરાખંડમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના તમામ ધર્મના લોકોના પારિવારિક મામલાઓ જેમ કે લગ્ન, નિકાહ, છૂટાછેડા, સંપત્તિ વગેરે માટે એક સમાન કાયદો બધાને લાગુ પડશે.