ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 જ્યારે બીજાની 7.0 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.