કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે અને વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે. ટ્રેઈની ડૉક્ટર પર સામુહિક બળાત્કારની આશંકા પણ વ્યક્ત થઈ રહી હતી. જોકે, સીબીઆઈએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ટ્રેઈની ડૉક્ટર પર સામુહિક બળાત્કારની શક્યતાઓ નકારી કાઢી છે. સાથે જ સીબીઆઈએ દાવો કર્યો છે કે ગુનાના સ્થળ સાથે ચેડાં થયા છે અને હોસ્પિટલ તંત્રનું વલણ શંકાસ્પદ છે. બીજીબાજુ આ ઘટનામાં એફઆઈઆર નોંધવામાં ૧૪ કલાક જેટલો વિલંબ થતા સુપ્રીમે પોલીસની ઝાટકણી કાઢી હતી.