ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલ બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા બન્ને ધોરણમાં અનુક્રમે 48 લાખ અને 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી. આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંન્ને ધોરણની મળીને કુલ 99 લાખ રૂપિયા થાય છે.