આજે, 14 એપ્રિલ, ભારતના બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ જયંતિ છે. તેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખું જીવન સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે સમર્પિત કર્યું હતું.
પ્રારંભિક જીવન અને સંઘર્ષ
ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar) નો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. તેમના પિતા રામજી માલોજી સકપાલ અને માતા ભીમાબાઈ હતાં. આંબેડકર તેમના માતા-પિતાના ચૌદમા સંતાન હતા. તેઓ મહાર જાતિમાં જન્મ્યા હતા, જેને તે સમયે અસ્પૃશ્ય અને નીચલા વર્ગ તરીકે ગણવામાં આવતી હતી. આ કારણે, તેમણે બાળપણથી જ સામાજિક ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તેમને શિક્ષણ, ખાવા-પીવા, બેસવા અને સામાજિક સુવિધાઓથી વંચિત રાખવાના પ્રયાસો થયા હતા. આ પડકારો હોવા છતાં, બાબા સાહેબ આંબેડકરે પોતાને શિક્ષિત કરવાનું નક્કી કર્યું. તેમની આ મુસાફરી સરળ ન હોતી. શાળામાં તેમની સાથે ભેદભાવ થતો, પરંતુ તેમણે હિંમત ન હારી અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
શિક્ષણ અને સમાજ સુધારણા માટે સંઘર્ષ
આંબેડકરનું શિક્ષણ એક પ્રેરણાદાયી સફર હતી. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કરીને ડોક્ટરેટની પદવી મેળવી. આ શૈક્ષણિક સિદ્ધિઓએ તેમને એક કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર અને ફિલસૂફ તરીકે સ્થાપિત કર્યા. શિક્ષણ પૂર્ણ કરીને આંબેડકર ભારત પરત ફર્યા, જ્યાં તેમણે સમાજમાં પરિવર્તન લાવવાનું સ્વપ્ન જોયું. પરંતુ, તેમની જાતિના કારણે તેમને ઘણી વખત અપમાનનો સામનો કરવો પડ્યો. આ અનુભવોએ તેમને હિન્દુ ધર્મની અસમાનતાઓ પ્રત્યે વધુ સજાગ બનાવ્યા. તેમણે દલિતો, મહિલાઓ અને કામદારોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. તેમણે પોતાના સમુદાયને આત્મનિર્ભર બનવા અને પોતાની મહેનતથી જીવન જીવવા પ્રેરણા આપી. તેમનું એક પ્રખ્યાત વાક્ય હતું: "હજારો વર્ષોથી મારો સમુદાય બીજાના ચરણ સ્પર્શ કરીને જીવે છે. હું તેમને એટલા સક્ષમ બનાવવા માંગુ છું કે તેઓ પોતાનું જીવન કોઈના ટેકા પર નહીં પણ પોતાની મહેનત પર જીવે. પરંતુ મારા લોકો મારા ચરણ સ્પર્શ કરીને પોતાની જવાબદારીઓ ભૂલી જવા માંગે છે."