અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં ભગવાન રામની આરતી તેમજ દર્શન કરવાના સમય વિશે માહિતી આપવામાં આવી છે. રામલલાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી સતત ભક્તોની ભારે ભીડમાં વધારો થતા ટ્રસ્ટે આરતી અને દર્શન માટે સમયની યાદી બહાર પાડી છે. જેમાં ભગવાન રામની શ્રૃંગાર આરતીથી લઈને શયન આરતી સુધીની દરેક બાબતે સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. શ્રીરામની શ્રૃંગાર આરતી સવારે 4:30 કલાકે કરવામાં આવશે.
આ બાબતે વધુ માહિતી આપતાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય પ્રવક્તા અને મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે, શ્રી રામ લલ્લાની શ્રૃંગાર આરતી સવારે 4.30 વાગ્યે કરવામાં આવશે તેમજ મંગળા આરતી સવારે 6.30 વાગ્યે કરવામાં આવશે. ત્યાર બાદ ભક્તો સાત વાગ્યાથી દર્શન કરી શકશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભગવાન રામની ભોગ આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવશે તેમજ સાંજની આરતી સાંજે 7.30 કલાકે, ભોગ આરતી રાત્રે 8 કલાકે અને શયન આરતી રાત્રે 10 કલાકે કરવામાં આવશે.