મુંબઈમાં રવિવાર (7 જુલાઈ)ની મધરાતથી શરુ થયેલા ભારે વરસાદે જોતજોતામાં રૌદ્ર સ્વરુપ ધારણ કરતાં સોમવારની પરોઢ સુધીમાં શહેરમાં 13 ઈંચ વરસાદ ખાબકયો હતો. તેના કારણે સમગ્ર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. સીએસએમટીથી થાણે વચ્ચેની સેન્ટ્રલ મેઈન લાઈન તથા વાશી, બેલાપુર તરફની હાર્બર લાઈનના અનેક સ્ટેશનોએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતાં સવારથી જ લોકલ ટ્રેનો બધ થઈ ગઈ હતી. મહાનગરમાં આજે પણ રેડ એલર્ટ જાહેર થતા શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.