લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત બાદ શુક્રવારે એનડીએની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જે બાદ એનડીએના સાથી પક્ષોના નેતાઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ચૂંટણી પરિણામો જણાવે છે કે આ એનડીએનો મહાવિજય છે. બે દિવસ એવુ ચાલ્યુ જાણે અમે તો હારી જ ગયા છીએ, ચારેય તરફ એ જ ચર્ચા હતી. આવુ કરીને તેઓ આપણા કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માગતા હતા. ઇતિહાસના આંકડા પર નજર કરશો તો જણાશે કે આ સૌથી મજબુત ગઠબંધનની સરકાર છે. એનડીએનો અર્થ થાય ન્યૂ ઇન્ડિયા, ડેવલપ ઇન્ડિયા, એસ્પિરેશન ઇન્ડિયા. ગઠબંધન મજબુરી નહીં પણ પ્રતિબદ્ધતા છે. મોદી, નિતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણ સહિતના એનડીએના નેતાઓએ સંસદના હોલમાં બેઠક યોજી હતી. જે દરમિયાન મોદીને વડાપ્રધાન બનાવવા માટે સર્વસંમતિથી એનડીએના નેતા ચૂંટવામાં આવ્યા હતા.