ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રા માટે તૈયાર કરાઇ રહેલી એક વિશાળ ટનલનો મોટો હિસ્સો ધસી પડયો હતો. જેને કારણે આ ટનલમાં કામ કરી રહેલા મજૂરો છેલ્લા ૧૧ દિવસથી ફસાયેલા છે. આ મજૂરોને બહાર કાઢવા માટે ઘણા દિવસથી ચાલી રહેલુ રેસ્ક્યૂ ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ગુરુવાર સુધીમાં આ તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારે બુધવારે સાંજે ચાર વાગ્યે જણાવ્યું હતું કે મજૂરો હવે માત્ર થોડા જ મિટર દૂર છે. ઓગર મશીનથી મોટી પાઇપ ટનલમાં મજૂરો સુધી પહોંચાડવામાં આવી રહી છે, મજૂરો જે સ્થળે છે ત્યાંથી પાઇપ માત્ર ૧૦ મિટર જ દૂર છે.