કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત કરી છે. આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી એટલે કે મણિપુરથી મુંબઈ સુધી જશે. આ યાત્રા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને શરૂ કરાવી હતી.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રાનો હેતુ મોદી સરકારના 10 વર્ષ દરમિયાન થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાઈ રહી છે. શુક્રવારે પાર્ટીએ ‘સહો મત, ડરો મત’ ટેગ લાઈન સાથે તેનું થીમ સોન્ગ રિલીઝ કરી દીધું છે. આ ગીતને પાર્ટીના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યું છે.
આ યાત્રાને પૂર્વનિર્ધારિત મણિપુરના ઇમ્ફાલની બદલે થૌબલ જિલ્લામાંથી શરૂ કરાઈ. રાજ્યમાં આઠ મહિના પહેલાં શરૂ થયેલી જાતીય હિંસાથી થૌબલ જિલ્લો પણ પ્રભાવિત રહ્યો છે.
14 જાન્યુઆરીથી શરૂ થયેલી આ યાત્રા 20મી માર્ચ સુધી ચાલશે. એટલે કે 2024ની લોકસભા ચૂંટણીના અમુક દિવસો અગાઉ સુધી આ યાત્રા ચાલશે.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા બરાબર એક વર્ષ પહેલાં પૂર્ણ થઈ હતી. એ દરમિયાન તેમણે તામિલનાડુમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. યાત્રા મણિપુરથી શરૂ થઈને નાગાલૅન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થઈને મુંબઈ ખાતે પૂરી થશે.
આ દરમિયાન તેઓ 6,500 કિલોમીટરની યાત્રા કરશે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે 4,000 કિલોમિટરની યાત્રા કરી હતી.
કૉંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના કૉમ્યુનિકેશન વિંગના પ્રભારી જયરામ રમેશે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાએ લોકોને આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય સરમુખત્યારશાહી વિશે જાગૃત કર્યા છે.”
જ્યારે 'ભારત ન્યાય યાત્રા’માં આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય પર ભાર મૂકવામાં આવશે. દેશમાં લોકશાહી અને બંધારણના રક્ષણ માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
એવું મનાય છે કે 'ભારત જોડો' યાત્રાએ રાહુલ ગાંધીની રાજકીય છબિને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઘણા લોકો માને છે કે શરૂઆતમાં આ યાત્રાને બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, અર્થતંત્રની ધીમી ગતિ, ભ્રષ્ટાચાર અને ગવર્નન્સના મુદ્દા ઉઠાવ્યા હતા.