કુસ્તીબાજો અને ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વચ્ચેનો વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. જંતર-મંતર પર 23 એપ્રિલથી ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ખાપની સાથે મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો તેમજ સમર્થકો જંતર-મંતર પહોંચી રહ્યા છે. રવિવારે ભારતીય કિસાન યુનિયન ઉગરાહાં અને સંયુક્ત કિસાન મોરચા, બંનેના કાર્યકરોએ જંતર-મંતર પર એક સભાનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ કિસાન સંગઠનોએ કુસ્તીબાજો સાથે ધરણા સ્થળે જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઉપરાંત કુસ્તીબાજોએ આજે જંતર-મંતર પર એક કેન્ડલ માર્ચ પણ યોજી હતી.