દેશના ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2 હજાર રૂપિયા પણ નથી.
આ રાજ્યના સૌથી ધનિક ધારાસભ્ય
કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર દેશના સૌથી અમીર ધારાસભ્યોની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. ADRના રિપોર્ટ અનુસાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમાર પાસે 1,413 કરોડથી વધુની સંપત્તિ છે. આ સાથે જ આશ્ચર્યની વાત એ છે કે દેશના 20 સૌથી ધનિક ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના છે. બીજા અને ત્રીજા સૌથી અમીર ધારાસભ્યો પણ કર્ણાટકના છે. બીજી બાજુ સૌથી અમીર અપક્ષ ધારાસભ્ય અને ઉદ્યોગપતિ કેએચ પુટ્ટસ્વામી ગૌડા છે. તેમની પાસે 1,267 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયા કૃષ્ણ 1,156 કરોડની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય નિર્મલ કુમાર ધારા છે, જે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય છે, જેમની કુલ જાહેર કરેલી સંપત્તિ માત્ર 1,700 રૂપિયા છે. તેમના પછી ઓડિશાના અપક્ષ ધારાસભ્ય મકરંદ મુદુલી છે, જેમની પાસે 15,000 રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ પંજાબના આમ આદમી પાર્ટીના નરિન્દર પાલ સિંહ સાવના છે, જેમની સંપત્તિ 18,370 રૂપિયા છે.