દેશના ચાર હજાર ધારાસભ્યોની પાસે કુલ ૫૪,૫૪૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમ રાજ્યોના મળીને થતા વાર્ષીક બજેટ કરતા પણ વધુ છે. એડીઆર અને એનઇડબલ્યુ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. દેશના વર્તમાન ધારાસભ્યો દ્વારા સોગંદનામામાં રજુ કરાયેલા સંપત્તિના આંકડાને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
કુલ ૪૦૩૩માંથી ૪૦૦૧ ધારાસભ્યોના સોગંદનામાને આ રિપોર્ટમાં ધ્યાનમાં રખાયા છે. જે મુજબ ૮૪ પક્ષો અને અપક્ષ સાથે જોડાયેલા પ્રત્યેક ધારાસભ્ય પાસે સરેરાશ ૧૩.૬૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ૪૦૦૧ ધારાસભ્યોની કુલ સંપત્તિનો આંકડો ૫૪,૫૪૫ કરોડ રૂપિયા છે. જે વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના કુલ મળીને થતા ૪૯,૧૦૩ કરોડ રૂપિયાના બજેટ કરતા પણ વધુ છે. નાગાલેન્ડનું વાર્ષીક બજેટ ૨૩ કરોડ, મિઝોરમનું ૧૪૨૧૦ કરોડ, સિક્કિમનું કુલ બજેટ ૧૧,૮૦૭ કરોડ રૂપિયા છે.