લાલ કિલ્લા પર ૨૦૦૦ના વર્ષમાં આતંકવાદી હુમલો કરનારા તોયબાના આતંકી મોહમ્મદ આરિફની ફાંસીની સજા કોર્ટે યથાવત રાખી છે. આરિફે ફાંસીની સજાના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરી હતી. ૨૦૦૫માં નીચલી કોર્ટે આ આતંકવાદીને ફાંસીની સજા ફટકારી હતી. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે એ સજા યથાવત રાખી હતી.
૨૨મી ડિસેમ્બર-૨૦૦૦ના રોજ લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો. એમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. ભારતીય સૈન્યની વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. એક આતંકવાદી મોહમ્મદ આરિફ ઝડપાઈ ગયો હતો. કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ નીચલી કોર્ટે આરિફને ફાંસીની સજા ફટકારી હતી. નીચલી કોર્ટના ચુકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારાયો હતો. ૨૦૦૭માં દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટની સજાને જાળવી રાખતો ચુકાદો આપ્યો હતો.