લોકસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સિમાચિહ્નરૂપ ચૂકાદો આપતા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અનામી રાજકીય ભંડોળ મેળવવા માટેની ચૂંટણી બોન્ડની યોજનાને ગેરકાયદે ગણાવી તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપ્યો છે અને નવા બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બોન્ડ બહાર પાડતી સરકારી બેન્ક એસબીઆઈને કોણે, કેટલા રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને આ બોન્ડ કોને મળ્યા તેની વિગતો જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.