રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે મહત્વના ફેરફાર કર્યા છે. ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ માટે રાજ્યના સરકારના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાં બાદ કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે.
વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે જેમા હવે વર્ગ 3 ની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ ભરતીની પરીક્ષા પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવાશે. હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી. મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ લીસ્ટ બનશે. આ સાથે પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.
ઉમેદવાર અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકશે
આ નવા નિયમ બાદ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. હવેથી ઉમેદવાર ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત દર વર્ષે વિભાગોએ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરી ને જાણ કરવાની રહેશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ પરીક્ષા લેવામાં આવતી અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય કર્યો છે.