ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.