વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ૭૫ વર્ષ નિમિત્તે શનિવારે લોકસભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે માત્ર સત્તા સુખ અને સત્તા ભુખ માટે બંધારણમાં વારંવાર સુધારા કર્યા. નહેરુ-ગાંધી પરિવારે પોતાની અનુકૂળતા માટે બંધારણમાં સુધારાને 'આદત' બનાવી લીધી હતી અને તેની શરૂઆત પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી. ગાંધી પરિવારે આ 'આદત'ને આગળ વધારી કારણ કે તેઓ બંધારણમાં સુધારાનું લોહી ચાખી ગયા હતા. આ જ કારણે કોંગ્રેસના માથે લાગેલું ઈમર્જન્સીનું પાપ ક્યારેય ધોવાઈ નહીં શકે. બીજીબાજુ અમે પણ બંધારણમાં સુધારા કર્યા, પરંતુ તે દેશમાં પરિવર્તન અને દેશ હિત માટે કર્યા.