અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત સંતો અને મહેમાનોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ વિશ્વમાં પહેલુ એવુ સ્થળ હશે કે જ્યાં મંદિર નિર્માણ માટે બહુમતી સંખ્યાના લોકોએ પોતાના જ દેશમાં વર્ષો સુધી લડાઇ લડવી પડી હોય.
યોગીએ કહ્યું હતું કે આજનો દિવસ મારા અંગત જીવન માટે પણ આનંદનો અવસર છે. આ શ્રીરામ જન્મભૂમિ મુક્તિનો જ સંકલ્પ હતો જેણે મને પૂજ્ય ગુરુદેવ, રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત શ્રી અવેદ્યનાથજી મહારાજનું પુણ્ય સાન્નિધ્ય પ્રાપ્ત કરાવ્યું. શ્રીરામ જન્મભૂમિ મુક્તિ મહાયજ્ઞા ન માત્ર સનાતન આસ્થા તેમજ વિશ્વાસની પરીક્ષાનો કાળ રહ્યો, સાથે સાથે સંપૂર્ણ ભારતને એકાત્મકતાના સુત્રમાં બાંધવા માટે રાષ્ટ્રની સામૂહિક ચેતના જાગરણના ધ્યેયમાં પણ સફળ સિદ્ધ થયું.