અરૂણાચલપ્રદેશમાં ભારત-ચીન અને ભૂતાનની સરહદે ત્રિભેટે આવેલાં તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણના મુદ્દે આજે સંસદમાં ગજબની ધમાલ ધાંધલ મચી ગયો હતો. મુખ્ય વિપક્ષ કોંગ્રેસનું કહેવું હતું કે સંસદમાં તે ઘટના અંગે ખુલ્લી ચર્ચા કરી દેશને વિશ્વાસમાં લેવો અનિવાર્ય છે. આ સાથે વિપક્ષોની માગણી છેક તવાંગમાં જે કૈં થયું છે તે વિષે વડાપ્રધાને જ દેશને પૂરી માહિતી આપવી જ જોઇએ.
કોંગ્રેસે તેવો પણ આક્ષેપ મુક્યો હતો કે વડાપ્રધાન મોદી પોતાની છબી બચાવવા દેશને ખતરામાં મુકી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે ફરી એક વખત ચીને આપણા સૈનિકોને ઉશ્કેર્યા છે. આપણા સૈનિકોએ બહાદૂરીથી તેમનો સામનો કર્યો છે. કેટલાયે જવાનો ઘાયલ પણ થયા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તો આપણે એક જ છીએ. તેમાં રાજકારણ વચ્ચે નહીં જ લાવીએ, પરંતુ મોદી સરકારે એલ.એ.સી. પર થતી ચીનની આક્રમકતા અને એપ્રિલ ૨૦૨૦થી તેમના દ્વારા થતાં નિર્માણકાર્ય સંબંધે ઇમાનદાર તો થવું જ જોઇએ. સરકારે આ મુદ્દે સંસદમાં ચર્ચા કરી દેશને વિશ્વાસમાં લેવો જોઇએ.