ક્રીમિયાને જોડતા પુલ ઉપર હુમલો કરાયા પછી ઝનૂને ભરાયેલા રશિયાએ યુક્રેન ઉપર સૌથી ભીષણ 'મિસાઇલ એટેક' કર્યો છે. પાટનગર કીવ સહિત દેશના કેટલાયે વિસ્તારોમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. રશિયાએ ઓછામાં ઓછા ૮૫ મિસાઇલ્સ છોડીને ઝેલેન્સ્કીની ઓફિસ પણ તબાહ કરી દીધી હોવાનો દાવો થયો હતો.
કીવ ઉપરાંત ખમેલનયટસ્કી, ઝઇટોમયર અને લવીવને પણ નિશાન બનાવવામા આવ્યા છે. કીવના મેયરે કહ્યું હતું કે, સેન્ટ્રલ કીવમાં ઝેલેન્સ્કીની ઓફિસ પાસે પણ મિસાઇલ પડયું. જો કે, હવે તો ઝેલેનસ્કી પણ સામા તેટલા જ ઝનુને ચઢ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે આતંકીઓ સામે લડી રહ્યા છીએ. ડઝનબંધ રોકેટ્સ અને ઇરાનના આત્મઘાતી ડ્રોન દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે એવો સમય પસંદ કર્યો છે જે દરમિયાન વધુમાં વધુ નુકસાન થઈ શકે. એક અહેવાલ તો તેવા છે કે રશિયા ઝેલેન્સ્કી ઉપર સીધો હુમલો કરવા માંગે છે આથી જ તેણે સેન્ટ્રલ કીવ સ્થિત તેમની ઓફિસ ઉપર હુમલો કર્યો હતો.