દેશમાં આખરે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના મહાભારતનો શંખનાદ થઈ ગયો છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વર્ષ ૨૦૧૯ની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે અને ૧ જૂને સાતમા તબક્કાનું મતદાન થશે જ્યારે ૪ જૂને પરિણામ જાહેર થશે. ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં મતદાન થશે. લોકસભા સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ ૨૬ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી ચૂંટણી કવાયત ૧૯ એપ્રિલથી શરૂ થશે અને ૪ જૂને તેનું પરિણામ આવશે.