ભારતમાં મે મહિનાની શરૂઆતથી જ સૂરજ દેવતા પ્રકોપ વરસાવી રહ્યાં હતા. જોકે મે મહિનાના અંતે વાતાવરણમાં એકાએક પલટો આવતા હવે ઠંડા પવન સથે ચોમાસાનો માહોલ સર્જાયો છે તેમ જ ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક કારણોસર શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળતા ફરી ભારતીય માર્કેટે વિશ્વના પાંચમા સૌથી મોટા બજારનો તાજ હાંસલ કર્યો છે.
છેલ્લા ૧૫ દિવસની વિદેશી રોકાણકારોની એકતરફી લેવાનીને કારણે બજારમાં કરંટ છે અને તેમાં પણ તાજેતરમાં જ અદાણી ગુ્રપ અને રિલાયન્સના શેરમાં આવેલ ચમકારાએ રોકાણકારોના વિશ્વાસ અને સંપત્તિમાં વધારો કર્યો છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે ૩.૩૧ લાખ કરોડ ડોલરને સ્પર્શ્યુ છે. બીજી તરફ ફ્રાન્સને ગત સપ્તાહે તેના બજારમાં ૧૦૦ અબજ ડોલરનું ધોવાણ જોયું હતુ. વિશ્વના ટોચના ૧૦ બજારોમાં ભારત ફરી પાંચમા સ્થાને પહોંચ્યું છે. ભારતે જાન્યુઆરીમાં ફ્રાન્સ સામે પોતાનું આ સ્થાન ગુમાવ્યું હતું. વાસ્તવમાં ચીન અને અમેરિકામાં મંદીને કારણે ફ્રાન્સના શેરબજારને ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન ફ્રાંસની ટોચની કંપની લુઈ વિટન અને વિવેન્ડી એસઈએ પોતાના શેર વેચવા પડયા હતા.