ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.