વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૦૨ બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કાના મતદાનમાં ૧૬૨૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના ૮ મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (૬૦ બેઠકો) અને સિક્કિમ (૩૨ બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.
ચૂંટણી પંચ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં કુલ ૧૬૨૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૪૯૧ પુરુષ અને ૧૩૪ મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાના મતદાનમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પૃથ્વી વિજ્ઞાાન મંત્રી કિરણ રિજિજૂ સહિત ૮ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી ત્રિપુરામાં વિપ્લવ દેવ અને અરૂણાચલમાં નબામ તુકી અને તેલંગણાના રાજ્યપાલપદેથી રાજીનામું આપનારા તમિલિસાઈ સૌન્દરરાજન પણ ચૂંટણી મેદાનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા છે.