G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક આજે અહીં યોજાશે. એ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાને પણ અત્યંત કડક બનાવવામાં આવી છે. આ બેઠક ત્રણ દિવસ સુધીની છે. 2019માં જમ્મુ અને કશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો તે પછી શ્રીનગરમાં આ પહેલી વાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
આ શિખર સંમેલન માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડ્રોનની મદદથી હવાઈ નિરીક્ષણ રખાશે, બેઠકના સ્થળે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) અને MARCOS કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોઈ અનિચ્છનીય બનાવ બનતો રોકવા માટે અનેક સ્થળે જમ્મુ અને કશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. મરીન કમાન્ડોએ સુપ્રસિદ્ધ દાલ સરોવર સ્વચ્છ બનાવડાવી દીધું છે અને લાલ ચોક ખાતે એનએસજીના કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.