કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ ૪.૫ ટકા રહ્યા બાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ ૬.૧ ટકા રહેતા સમગ્ર વર્ષનો આર્થિક વિકાસ દર ઉચો રહ્યો છે. સમગ્ર વર્ષ માટે કૃષિ (ચાર ટકા), નાણાકીય સેવાઓ (૭.૧ ટકા), ટ્રેડ, હોટેલ્સ અને પરિવહન (૧૪ ટકા)ના ઊંચા વિકાસ દરની અસર પણ વિશ્વની સૌથી ઝડપે વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે. માથાદીઠ આવક ગત વર્ષ કરતા રૂ.૨૪,૯૭૮ વધી રૂ.૧,૯૩,૦૪૪ રહી છે જે ગત વર્ષ કરતા ૧૪.૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.