ચીન ભારત સરહદે વારંવાર છમકલાં કરી રહ્યું છે અને પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ પ્રદેશની સરહદે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે ત્યારે ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં બજેટ ફાળવણી વધારી છે. ભારતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સંરક્ષણ ક્ષેત્રનું બજેટ વધારીને રૂ. ૫.૯૪ લાખ કરોડ કર્યું છે, જે ગયા વર્ષે રૂ. ૫.૨૫ લાખ કરોડ હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં નવા હથિયારો-શસ્ત્રો, વિમાનો, યુદ્ધ જહાજો અને અન્ય મિલિટ્રી હાર્ડવેરની ખરીદી કરવા માટે રૂ. ૧.૬૨ લાખ કરોડ અલગ બાજુ પર મુક્યા છે.