દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ત્યારથી આખા દેશની જે બે બેઠક પર નજર હતી તે અમેઠી અને રાયબરેલીમાં કોગંર્સેમાંથી કોણ ઉમેદવારી નોંધાવશે તે સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પહોંચતા રાયબરેલી પર રાહુલ ગાંધી લડશે કે પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં ઝુકાવશે તેની અટકળો ચાલતી રહી હતી. જોકે, બંને બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શુક્રવારે રાહુલ ગાંધીએ રાયબરેલી પરથી ઉમેદવારી નોંધાવી છે જ્યારે અમેઠી બેઠક પર કોંગ્રેસે ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે પ્રિયંકા હાલ ચૂંટણી નહીં લડે તે નિશ્ચિત થઈ ગયું છે.