દેશમાં ધર્મ મુદ્દે નફરત ફેલાવનારા અને ઉશ્કેરણીજનક ભાષણો કરનારા સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દેશની રાજ્ય સરકારોને નફરત ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવા નહીં તો તેમની સામે અવમાનનાના પગલાં માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની પોલીસને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક આદેશમાં કહ્યું હતું કે, કોર્ટની જવાબદારી છે કે તે આ પ્રકારના કેસોમાં દરમિયાનગીરી કરે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફની બેન્ચે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની પોલીસને સવાલ કર્યો હતો કે, ચોક્કસ ધર્મ સામે નફરત ફેલાવતા ભાષણો આપનારા સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે? સુપ્રીમે શુક્રવારે કહ્યું કે, ઉશ્કેરણીજનક ભાષણો અંગેના આરોપ ખૂબ જ ગંભીર છે. ભારતનું બંધારણ આપણને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના રૂપમાં પરિકલ્પિત કરે છે.