વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મુર્શિદાબાદ હિંસામાં અત્યાર સુધીમાં ત્રણના મોત થયા છે. મુર્શિદાબાદમાં તોડફોડ, પથ્થરમારો, આગચંપી અને ટ્રેન રોકવા જેવી ઘટનાઓ બની છે. અનેક સરકારી ઓફિસોને નુકસાન પહોંચ્યું. સાથે પોલીસ પર પણ હુમલા થયા હતા. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે.