તમિલનાડુમાં શાસક પક્ષ ડી.એમ.કે. અને રાજ્યપાલ વચ્ચેના સંબંધો સોમવારે લગભગ તળિયે પહોંચી ગયા હતા. વિધાનસભા સત્રના પ્રારંભે પરંપરાગત રીતે, રાજ્યપાલ સંબોધન કરે છે પરંતુ તે સંબોધન રાજ્યના શાસક પક્ષે તૈયાર કરેલું હોય છે. આ વખતે રાજ્યપાલ આર.એન. રવિએ તે તૈયાર સંબોધનમાંથી 'દ્રવિડયન મોડેલ' શબ્દો ઉચ્ચાર્યા ન હતા તેને સ્થાને પોતાના શબ્દો પણ ઉમેર્યા હતા. તેથી દ્રવિડ મુનેત્ર કઝગમ (ડી.એમ.કે.)ના સભ્યો 'વેલ'માં ધસી ગયા હતા અને 'તમિલનાડુ વઝગયેલ' (તમિલનાડુ અમર રહો) અને 'એન્ગલનાડુ તમિલનાડુ'(અમારી ભૂમિ તમિલનાડુ) તેવા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા તેથી રાજ્યપાલ ઘણા જ નારાજ થયા અને વિધાનગૃહ છોડી ગયા. રાજ્યપાલ રવિએ તો તેઓનું પ્રવચન નવ વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે વિધાનસભ્યો અને અને તમિલનાડુના જનસામાન્ય પણ 'પોંગલ' (લાણી સમય)ની શુભેચ્છાઓ પાઠવવા સાથે શરૂ કર્યું હતું.