શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ 40થી વધુ માસૂમ બાળકોનાં મોત થયા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે.
કેન્દ્ર સરકારે મૃતકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.