દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પાયજામાનું નાડું ખેંચીને તોડી નાખવું એ દુષ્કર્મના પ્રયાસના આરોપો માટે પર્યાપ્ત પુરાવો નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુઃખ થાય છે કે આ નિર્ણય લખનારાઓમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો છે. આ નિર્ણય તાત્કાલિક નથી લેવાયો પણ ચુકાદો સુરક્ષિત રાખ્યાના ચાર મહિના બાદ સંભળાવાયો છે. અમે સામાન્ય રીતે આ લેવલ પર વિલંબ કરવામાં ખચકાઈએ છીએ પણ પેરા 21, 24 અને 26 માં કરાયેલી વાતો કાયદામાં નથી અને તે માનવતાનો અભાવ દર્શાવે છે. અમે આ પેરામાં કરાયેલા ટિપ્પણીઓ પર રોક લગાવીએ છીએ.