વર્ષ ૨૦૧૬માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં રાતોરાત નોટબંધી લાગુ કરી દેવામાં આવી હતી. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ફરી ચર્ચામાં આવ્યો છે. નોટબંધી લાગુ કરવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું હતું કે અમને અમારી લક્ષ્મણ રેખા શું છે તે સારી રીતે ખ્યાલ છે. આ સાથે જ બાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇને નોટિસ પાઠવી હતી અને નવમી નવેમ્બર સુધી પોતાનો જવાબ આપવા કહ્યું હતું. એવા અહેવાલો છે કે સુપ્રીમ કોર્ટમાં આટલા વર્ષો પછી નોટબંધીનું ભૂત ફરી ધુણતા સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.