મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાઈ કરતા મહામંડળનું ખાનગીકરણ કરવાના વિરોધમાં મહાવિતરણ, મહાજેન્કો અને મહાટ્રાન્સ્કો – એમ ત્રણ વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓના કર્મચારીઓએ આજથી ત્રણ દિવસ હડતાળ પર ઉતરી ગયા છે. તેઓ આજે 4 જાન્યુઆરીની મધરાતથી 6 જાન્યુઆરીની મધરાત સુધી – 72-કલાક સુધી કામ પર હાજર થવાના નથી. આ હડતાળને કારણે રાજ્યમાં અનેક ભાગોમાં બત્તી ગુલ થઈ ગઈ છે. હડતાળમાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ, એમ સૌ જોડાયા છે. એને કારણે મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈની પડોશના થાણે અને નવી મુંબઈમાં તેમજ રાજ્યના અનેક ભાગોમાં વીજપૂરવઠો ખંડિત થવાની પૂરી સંભાવના છે. આ હડતાળમાં 86,000થી વધારે કર્મચારીઓ તથા 42,000 જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સિક્યુરિટી ચોકીદારો પણ જોડાયા છે.