-
વાસુ-સપનાના લગનની પ્રથમ રાત. સપના ધીમા પગલે અંદર આવી. વાસુએ કંઇક ફિલ્મોની અસર કંઇક યાર-દોસ્તોની સાથેની વાતચીતના આધારે પલંગની સજાવટ કરી હતી. મોબાઇલ ફોનમાં “બહારો ફુલ બરસાવો...મેરા મહેબુબ આયા હૈ...” ગીત પહેલાથી સેટ કરેલું એટલે ધીમા અવાજે મૂક્યું. લગન પહેલા બન્ને એકબીજાને મળેલા એટલે બન્ને એક બીજા માટે અજાણ નહોતા. અડધી રાત ધીમે હલેસે આગળ વધી રહી હતી. વાસુ અને સપનાએ વડિલોએ તેમને આપેલું સફેદ કપડું પલંગ પર બિછાવ્યું.
આ સફેદ કપડું એટલે, છારા સમાજની પરિભાષામાં “ પલ્લુ “. આ પલ્લુ સુહાગ રાતે ઘરની મહિલાઓ કન્યાને આપે છે. પલ્લુ નવદંપતિને પલંગ પર પાથરવા માટે અપાય છે. કન્યા જો વર્જીન હોય તો સુહાગ રાતે સંબંધ દરમ્યાન એ સફેદ કપડા પર કન્યાના લાલ લોહીના ડાઘ પડે છે. સવારે કન્યાએ પોતાના કૌમાર્યની સાબિતીરૂપે લોહીના લાલ ડાઘવાળું એ સફેદ કપડું ઘરની મહિલાઓને બતાવવું પડે છે. એ જ રીતે છોકરાએ નાતના પંચ સમક્ષ આ વાતની મૌખિક સાબિતી આપવી પડે છે, કે “ માલ ચોખ્ખો છે “. કન્યા પલ્લાનું આ કપડું પોતાના કૌમાર્ય અને સુહાગની યાદગીરીરૂપે જીવનભર પોતાની પાસે એક મોંઘી જણસની જેમ સાચવી રાખે છે. પરંતુ જો સફેદ કપડાં પર લોહીના લાલ ડાઘ ના પડે તો માની લેવાય છે કે કન્યા વર્જીન નથી, એટલે કે , છારા પરિભાષામાં “ માલ ખોટો છે “. છારા સમાજમાં કન્યાની વર્જીનીટીનું અત્યંત મહત્વ છે. કન્યા જો વર્જીન ના હોય તો લગ્ન છૂટાછેટા સુધી પહોંચે છે.
ઘરમાં વડિલો આઘાપાછા થયા હતા, જેથી છોકરો-છોકરી શરમાય નહીં. બન્ને પક્ષકારોની પરણેલી યુવતીઓ ત્યાં અગાઉથી લાવેલ ચા-પાણી નાસ્તો કરવા લાગી. દેખીતી રીતે જ તેમની વાતો પણ મીઠી હતી. બન્ને પક્ષકારોમાં પરણેલા યુવાનો ઘડીક આંટો મારીને મહિલા વર્ગને ઇશારામાં પૂછી લે- શું થયું...? કંઇક સારા સમાચાર? જવાબ મળ્યો- હજુ તો કોઇ બહાર આવ્યાં નથી. બન્ને ઘરોના વડિલો પણ મર્યાદા રાખીને પોતાના પત્ની કે સાળી દ્વારા જાણવાનો પ્રયાસ કરે કે કંઇક સમાચાર, કાંઇ ખબર...?
વાસુ-સપનાના રૂમથી દૂર બેઠેલી આ પરણેલી મહિલાઓની એકબીજાની વાતો ખુટી. રાત આગળ વધી. સૌની આતુરતા વધી રહી હતી. હમણાં દરવાજો ખુલશે અને વાસુ બહાર આવીને સારા સમાચાર આપશે.... પણ એવું કાંઇ ના થયું. વાસુની એક નજીકની ભાભીને અન્ય મહિલાઓએ આગળ કરી. તું જા. દરવાજો ખટખટાવ અને વાસુને પૂછ કે શું થયું. આ એક સામાન્ય અને સહજ વાત હતી આવા સમયે. અન્ય સમાજ માટે આ એક એવો વિષય કે જેનો ઉલ્લેખ થાય તો નાકનું ટેરવું ચઢી જાય. પણ અમારા છારા સમાજમાં આ પ્રસંગ નિખાલસતાથી ભરપૂર ગણાય છે. પૂછવામાં કોઇ છોછ નહીં. સૌ જાણતાં જ હતા કે આવા પ્રસંગે પૂછવાનું શું છે અને વાસુ બહાર આવીને શું કહેવાનો છે. વાસુની નજીકની ભાભીએ હળવેકથી જઇને ધીમા અવાજે પૂછ્યું-વાસુ....એ વાસુ...સાંભળે કે... શું થયું? સવારના ચાર વાગવા આવ્યાં કાંઇ સારા સમાચાર છે કે નહીં? થોડીવાર પછી અંદરથી વાસુનો અવાજ આવ્યો- હજુ કાંઇ થયું નથી. સપના હાથ લગાવવા દેતી નથી. આ સાંભળીને વાસુની ભાભીએ બહારથી જ સપના સાંભળે તે કહ્યું- શું કરે તું. કેમ હાથ લગાવવા દેતી નથી? તું સાથ નહીં આપે તો કઇ રીતે ચાલશે? વાસુની ભાભીએ તેને ધમકાવતા એમ પણ કહ્યું- નહીં માને તો અંદર આવીને.....અંદરથી સપનાનો ધીમો સ્વર આવ્યો- સારૂ. વળી દરવાજા બંધ. ભાભી મહિલા વર્ગમાં ગઇ અને જાણ કરી. ત્યાંથી વાત વડિલો સુધી પહોંચી. એમ કરતા કરતાં સવાર પડી. રાતના ઉજાગરાથી થાકેલી મહિલાઓ કંટાળી. ઘરની આઘાપાછા થયેલા વડિલો ઘર તરફ વળ્યા. પેલી ભાભીને ફરીથી મોકલવામાં આવી. જા જઇને જો તો. બન્નેને જગાડ. થાકેલા હશે. ઉઠાડ એમને અને કહે કે સવાર પડી ગઇ છે અને હમણાં નાતના પંચો આવશે. સગાઓ આવશે. તેમને શું કહેવાનું છે?
ભાભીએ જઇને દરવાજો ખટખટાવ્યો. કોઇ અવાજ ના આવ્યો એટલે જોર જોરથી ખટખટાવ્યો અને વાસુ... સપના...એમ મોટેથી બોલીને કહ્યું બહાર આવો.. શું થયું...કંઇક થયું કે નહી. દરવાજો ખુલ્યો. પહેલા વાસુ બહાર આવ્યો. થાકેલો. મોઢુ ઉદાસ. જવાબ આપ્યો- ના કશું થયું નથી. એમ કહીને જતો રહ્યો. ભાભીએ જઇને બધાને વાત કરી. સૌ ચિંતામાં. શું હશે? વાસુ કાચો પડ્યો કે સપનાએ પૂરતો સાથ ના આપ્યો? સપનાને સરખી વયની પરણેલી મહિલાઓએ રૂમની અંદર જઇને ઇશારાથી પૂછ્યું- શું થયું..? એક મહિલાએ લાડથી પડખે જઇને કાન નજીક રાખીને ઇશારો કર્યો- શું થયું...? સાચુ કહે તો. સપનાએ ધીમેથી કહ્યું- “હું તો તૈયાર જ હતી. પૂરતો સહયોગ પણ આપ્યો પણ વાસુ કંઇક કરી જ ના શક્યો....વાસુમાં જ દમ નથી...”
પત્યું. વાંક આવ્યો વાસુનો. સવાર પડી અને પંચોને તથા સગાસંબંધીઓને જાણ કરવામાં આવી કે હજુ કાંઇ થયું નથી. પંચો પોતાના કામધંધે અને વાસુને લઇને વડિલો ધંધે લાગ્યા. આ તો ઘર પરિવારની ઇજ્જત આબરૂનો સવાલ. બાપ-દાદાનું નામ લજવાઇ જાય જો વાસુ નિષ્ફળ જાય તો. તેના ભાઇબંધોને બોલાવવામાં આવ્યાં. વાસુની સાથે કૌમાર્ય અંગેની વાત કરી શકે તેવા ઘર પરિવારના યુવાનોને વાસુ પાસે મોકલવામાં આવ્યાં. એ જાણવા કે આખરે થયું શું? વાસુએ જે કહ્યું તે પછી એવો નિર્ણય લેવાયો કે ઘરમાં બન્ને શરમાતા હતા તેથી વાસુ-સપનાને નજીકની એક હોટેલમાં રૂમ બુક કરીને પ્રથમ રાત
માટે( આમ તો બીજી રાત હતી ) મોકલો. તેની સાથે બન્ને પરિવારોની કેટલીક મહિલાઓ અને પુરૂષોને પણ મોકલવા. કેમ કે મામલો હવે ઘરને બદલે હોટેલ તરફ ખસેડાયો હતો. નજીકની હોટલમાં રૂમ બુક કરાયું. હોટેલવાળાને કહેવામાં આવ્યું કે નવદંપતિ છે. પ્રથમ રાત છે એટલે રૂમ જરા સજાવજો. હોટેલવાળાએ તરત જ રૂમને સારી રીતે શણગારી આપ્યું. અને રાતે વાસુ-સપનાની બીજી રાત શરૂ થઇ હોટેલ પલ્લવમાં પલ્લાની ખરાઇ માટે. (ક્રમશ:)