-
વિશ્વમાં પતિ-પત્ની વચ્ચે મીઠી નોંકછોંક કે રાગે ખટરાગ કાંઇ નવું નથી. આદમ અને ઇવ પણ ઝગડ્યા હશે કોઇ બાબતે. માની લઇએ કે ચામાં ખાંડ ઓછી હોવાના મુદ્દે આદમ અને ઇવ બાખડી પડ્યા હશે. તેમણે ઝગડો વધતાં ત્યારબાદ ફારગતી કહેતાં છૂટાછેડા લીધા કે નહીં તે માટે તો ઇતિહાસના પાનાં જોવા પડે એમ નહીં, પણ ઉલેચવા પડે. આજના સમયમાં પારિવારિક મનદુ:ખને દૂર કરવા ફેમિલી કોર્ટ કાર્યરત છે.જેમાં કેસો વધી રહ્યાં છે. વિદેશમાં કેટલાક દેશોમાં લગ્ન જીવન 5-10 વર્ષ ટકે તો ભયો...ભયો...! કેમ કે બેમાંથી ક્યારે કોને વાંકૂ પડે કહેવાય નહી અને તરત જ જા તું છૂટો-હું છૂટી. ડાઇવોર્સનો ઘોડો ક્યારે છૂટો પડી જાય કાંઇ નક્કી નહીં. અલગ અલગ જાતિઓમાં ફારગતીની કેવી પધ્ધતિ છે તેના પર ખરેખર સંશોધન થાય તો તેમાં ઉંડા ઉતરનાર અભ્યાસુના છૂટાછેડા ના થાય તો સારૂ...!! છારા સમાજમાં ફારગતીની રસપ્રદ પ્રથા આજે પણ અમલમાં છે. જેને બન્ને પક્ષકારો માન સન્માન આપે છે. શું છે આ છૂટાછેડાની વિધિ....આવો જાણીએ.
હર્ષ અને રચનાના લગ્ન થયાં. જામને કારણે જાન મોડી પહોંચી. કન્યાને ત્યાં ચોરીમાં મોડી રાતે આરામ ફરમાવતાં મહારાજને જગાડવામાં આવ્યાં- મહારાજ જાગો...જાન આવી ગઇ. મોઢુ-વોઢુ ધોઇને મહારાજે લગ્ન કરાવ્યાં. કન્યા વિદાય અને અન્ય પરંપરાઓનું પાલન કરીને હર્ષ અને રચનાએ ત્યારબાદ લગ્ન જીવન આરંભ્યું.
ઘરમાં બે વાસણ હોય તો ખખડેય ખરા. હર્ષ અને રચના વચ્ચે શરૂ થયો ખટરાગ. એકબીજા સામે આક્ષેપો. તું આવો...છે....ના તું આવી....છે !!!! એમ કરતા કરતાં વાત પહોંચી કાબુની બહાર. આબુ ફરવા જવાનું પણ કામ ના લાગ્યું. હવે અમારા સમાજના લોકો ફરવા માટે દુબઇ પણ જાય છે. આ તો એક આડવાત. પણ રચનાને લાગ્યું કે હર્ષ સાથે લાંબુ નહીં ચાલે. ઘણું સહન કર્યું. હવે નહીં. મામલો પહોંચ્યો જાત પંચાતમાં. અમે તેને પંચાઇ કહીએ છીએ. પંચો ભેગા થયાં. ગોળ વર્તુળાકારમાં બેઠા. હર્ષ અને રચનાને સમજાવ્યાં. ના માન્યા. ના, અમારે તો બસ ફારગતી જ જોઇએ. બન્ને પક્ષકારો ના માન્યા અને એક મનોજ નામના એક પંચે ટપાલી(પંચાયતના સભ્યોને એકત્ર થવાની જાણ કરનાર વ્યકિત)ને ઇશારો કર્યો અને તે નજીકના લીમડાના ઝાડની એક નાના ડાળખી લઇ આવ્યો.
છારા સમાજના કેટલાક લોકો પહેલા કુહાડી પોતાની સાથે રાખતા હતા. અને ફારગતી માટે તેનો ઉપયોગ કરતા હતા. ના..ના... એ કોઇને મારવા માટે નહી. આજે તો કોઇની પાસે કુહાડી ક્યાંથી હોય. ટપાલીએ લીમડાના ઝાડની ડાળખી પંચ મનોજને આપી. લીમડાના છાડની ડાળખી એટલા માટે કે પહેલાં તો લીમડાના ઝાડ નીચે પંચાઇ બેસતી. એટલે તેની ડાળખી લઇ લેતા. આજે લીમડાની ડાળખી ના મળે તો કોઇ પણ ઝાડની ડાળખીથી કામ ચાલી જાય.
પંચના મુખિયા મનોજે બન્ને પક્ષકારોને છેલ્લીવાર સમજાવ્યાં. ના માન્યા. પછી એ ડાળખી મૂકી વર્તુળાકાર બેઠેલા પંચોની વચ્ચોવચ્ચ. બન્ને પક્ષકારો પાસેથી 10-10 રૂપિયા લેવાયા. ડાળખીના બન્ને છેડે 10-10 રૂપિયાની નોટ મૂકાઇ. હર્ષ જે ગોત્રનો હતો તે ગોત્રના કોઇ એક છોકરાને બોલાવાય. આમ તો હર્ષના પિતા પણ એ જ ગોત્રના, પરંતુ તે રચનાના સસરા થાય એટલે ફારગતીની વિધિમાં તેમનો ઉપયોગ ના કરાય. હર્ષના પરિવારમાં તેના જ ગોત્રનો કોઇ છોકરો હોય તો તે પણ ચાલે. છેવટે કોઇ ના મળે તો ટપાલીનો ઉપયોગ કરાય છે. પંચો દ્વારા બન્ને પક્ષકારોને ફરી સમજાવ્યાં. ના માન્યા. વિધિ આગળ વધી. હર્ષના ગોત્રનો એક છોકરો લઇ આવ્યાં. એક પંચ તેને જ્યાં ડાળખી અને બન્ને છેડે 10-10 રૂપિયાની નોટ મૂકી હતી ત્યાં લઇ જઇને પછી પૂર્વજો(દીન-દેવતા)ને સ્મરીને મોટેથી કહ્યું કે હર્ષ અને રચના અમારા લાખ સમજાવ્યાં છતાં માન્યા નથી. તેઓ હવે કોઇપણ સંજોગોમાં સાથે રહેવા માંગતા નથી એટલે હે, દિન-દેવતાં તમારી સાક્ષીએ તેમને અલગ કરવામાં આવે છે એમ કહીને પેલા છોકરાને છારા ભાષામાં કહ્યું- લીંબા કી ડાળી બીચા સ તોડી ગેર( લીમડાની ડાળખી વચ્ચેથી તોડી નાંખ) અને જેવી પેલાએ ડાળખી વચ્ચેથી તોડી એટલે પંચે તેને હાથમાં લઇને ડાળખીના બન્ને ટુકડા અલગ અલગ એટલે કે વિરુધ્ધ દિશામાં ફેંક્યા અને બન્ને પક્ષકારોને કહ્યું કે “જાઓ આજથી તમે છૂટા. કન્યાનું મોલાણું રચનાના પિતા, હર્ષના પિતાને પરત આપે અને હર્ષના પિતા રચનાના પિતાને કન્યાનું કરિયાવર પરત આપે.” એટલું કહીને પંચાઇ એના ઘેર અને બન્ને પક્ષકારો પોતપોતાના ઘેર. કોઇ માથાકૂટ નહીં. કોઇ કોર્ટ-કચેરી નહીં. કાઇ વાદ-વિવાદ નહીં.
ફેમિલી કોર્ટમાં કેસોના ભરાવા અને કાબુ બહારના સંજોગોને કારણે ફારગતીમાં ભલે વિલંબ થાય પણ છારા સમાજમાં સરળતાથી સમસ્યા સંભાળી લેવામાં આવે છે. જો બેમાંથી કોઇ એક પક્ષકાર ફારગતી માટે પંચાઇ માં ના આવે તો તેને 3 દિવસની નોટીસ આપવામાં આવે છે. તે પછી પણ ના આવે તો એક તરફી ફારગતી પણ થાય છે. એવું પણ બને છે કે કોઇ મહિલા એવી ધમકી પણ આપે કે “જો મેરા મુસળ નાહીં કાટ્યા તો હું જળી જાંગડી”( જો મારી ફારગતી કરવામાં નહીં આવે તો હું સળગીને આત્મહત્યા કરી લઇશ). આવા ઇમરજન્સી કેસમાં પંચો સમયને ધ્યાનમાં રાખીને કોઇ મોટો બનાવ ના બને એટલે કોઇનો જીવ બચાવવા આપી દે ફટાફટ ફારગતી. તેનું મુસળ એટલે કે ફારગતી કાપી નાંખે.
મજા એ પણ છે કે જેમ ફારગતી થઇ તેમ સમય જતાં હર્ષ અને રચનાને થયું કે ના..ના હવે સાથે રહીએ. એટલે તેમનું મુસળ -ફારગતી- જોડવાનું નક્કી થયું. કઇ રીતે....? (ક્રમશ)